01/05/2024
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ….
ખાસ ગુજરાતની આવતી કાલને ઉદ્દેશીને….
પોતાની માતૃભાષા પ્રત્યેનો સૌનો જરાક બદલાઈ રહેલો અભિગમ જોઈને મને કંઈક કહેવાનું મન થયું છે અને એટલે જ આ પત્ર દ્વારા તમને સૌને મારા સ્પંદનોના વહેણમાં ભીંજવી રહી છું. ગુજરાતી ભાષા વિષે બે શબ્દ કહેવાનું આ સાહસ એટલા માટે જ કરી રહી છું કે તમે સૌ પોતાની માતૃભાષા ત્યે થોડા સંવેદનશીલ બનો અને તેના મૂળ સ્વરૂપ અને વિવિધ પાસાઓ વિષે જાણો.
તમારા સૌની બહુભાષિતાની પ્રતિભાની ઝલક વિષે તો ખ્યાલ છે જ અને તેનું ગૌરવ પણ છે; પણ હા, એક વાત ચોક્કસ છે કે બીજી અન્ય ભાષાઓ પર પ્રભુત્વ ભલે મેળવો પણ પોતાની માતૃભાષાને તો હૃદયમાં ઉચ્ચ સ્થાને જ રાખવી જોઈએ. માતૃભાષા બોલવા, વાંચવા, લખવામાં થોડો રસ લેતા થશો તો તમારો એના ત્યેનો અભિગમ ચોક્કસ બદલાશે.
આપણી ભાષામાં અનેક સમૃદ્ધ સાહિત્ય લખાયા છે પણ આપણી માતૃભાષા વંચાશે નહીં, બોલાશે નહીં, સચવાશે નહીં તો આટલું રચનાત્મક સાહિત્ય પછી વાંચશે કોણ ? ભાષા જ નહીં બચે તો સંસ્કાર, સંસ્કૃતિ, વ્યાકરણ, શબ્દભંડોળ બધું જ લુપ્ત થઈ જશે !
ભાષા એ વાતચીતનું માધ્યમ માત્ર જ નહીં પણ પોતાની, પોતાના મૂળની એક સાચી ઓળખાણ છે. ભાષાના ઉચ્ચારો, શબ્દોની પસંદગી, ભાષાની સંરચના અને લઢણ એ બધું તમને છેક મૂળ સુધીની સામાજિક ઓળખ પ્રસ્થાપિત કરવા સુધી લઈ જાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ માતૃભાષાનું મહત્ત્વ કંઈક વિશેષ છે. ભાષા એ મૈત્રીનો વિસ્તાર કરવાનું સાધન છે અને સાથે પોતાને નજીક અને દૂરનાને પોતાના કરવાનું સાધન પણ છે. સરખી બોલી, લઢણ, શૈલી વગેરે ભાષામૈત્રી ઊભી કરી શકે છે, એવી તાકાત છે માતૃભાષામાં ! અન્ય ભાષાઓ દ્વારા તમે મૈત્રી કેળવી જ શકો છો પરંતુ માતૃભાષા એ તો આપણા રોમરોમમાં વહેતા સ્પંદનોથી સર્જાયેલી ભાષા છે આથી તે સહજ અને સરળ છે.
ચાલો, માતૃભાષાના ઇતિહાસ વિષે હવે થોડી વાત કરું. ઈ.સ. 1848માં અમદાવાદના આસિસ્ટન્ટ જજ સાહેબ - ફાર્બસ સાહેબે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરવા માટે એ વખતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા પ્રકાશિત 'બુદ્ધિપ્રકાશ' નામક સામયિકના કવિ દલપતરામ અને પછીથી રમણભાઈ નીલકંઠ સંચાલક હતા. જાણવા જેવી વાત એ છે કે, આજે પણ એ સંસ્થાની ગુજરાતની મહાન સાહિત્યિક સંસ્થાઓમાં ગણના થાય છે.
અઠ્ઠાવન અર્વાચીન લિપિઓમાંની એક એવી આપણી ગુજરાતી ભાષામાં પંદરમા સૈકાની શરૂઆતમાં ભક્તકવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ, ભક્તકવિ ભાલણ ને તે પછી સોળમા સૈકામાં કવિરાજ વસ્તો, વચ્છરાજ અને તુલસી જેવા વિદ્વાનો થઈ ગયા કે જેઓ પછીના સમયના અનેક મહાકવિઓના માર્ગદર્શક બની રહ્યા. તે પછી ગુજરાતના સુવર્ણકાળ દરમિયાન ગુજરાતી ભાષાને અખો, પ્રેમાનંદ, શામળ જેવાં મહાકવિઓ મળ્યા. કવિ શામળના કેટલાક વાક્યો તો આજે પણ આપણી ભાષામાં કહેવતો તરીકે સ્થાન પામ્યા છે.
એ પછી અઢારમી સદી કે જે અશાંતિનો સમય રહ્યો હતો, તે વખતમાં આધ્યાત્મિક કવિતાનો પુનર્જન્મ થયો. આ યુગના કવિગણમાં સર્વશ્રી દયારામ, ધીરો, પ્રીતમ, દેવાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ આજે પણ વંચાય છે. તે વખતમાં દિવાળીબાઈ, કળષ્ણાબાઈ જેવાં સ્ત્રીકવિઓ પણ થઈ ગયા. છેવટે 1887ની સાલથી ગુજરાતી સાહિત્ય માટે એક નવા યુગનો આરંભ થયો, જેનાં મૂળ કવિ નર્મદ અને કવિ દલપતરામના સમયમાં જ નંખાઈ ચૂક્યા હતાં, તેમ કહેવાય છે. અઢારમી સદીની આખરમાં અને ઓગણીસમી સદીની શરૂઆતમાં ગદ્યનો ઉદય થયો. કવિ નર્મદ પહેલા ગદ્યનું અસ્તિત્વ ન હતું, એમ તો ન કહી શકાય પણ ગુજરાતી ગદ્ય સાહિત્યની ખરી શરૂઆત કવિ દયારામ પછી થઈ એમ કહી શકાય.
એ પછી ધીમેધીમે ગુજરાતી ભાષામાં અરબી, ફારસી, તુર્કી ને તે પછી હિંદી, પોર્ટુગીઝ ને પછી અંગ્રેજી શબ્દોનો ઉમેરો થતો ગયો ને કાળક્રમે ભાષાઐક્ય લુપ્ત થતું ગયું. આ છે એકદમ ટૂંકમાં વર્ણવેલો ગુજરાતી ભાષાનો ઇતિહાસ !
ઇતિહાસ વાંચીને મનમાં ભાર થઈ ગયો હશે નહીં ! તો, ચાલો હવે થોડી હળવી વાતો કરીએ. ગુજરાતી ભાષાનો ચાર અને સાર એ દરેક ગુજરાતીની જવાબદારી છે. આપણી માતૃભાષા એ મીઠડી અને મોજીલી ભાષા છે. આ ભાષાના શબ્દે-શબ્દે પોતીકાપણું નીતરે છે કારણ કે એ આપણા દરેકની ભીતરે ધબકે છે ! ગુજરાતી ભાષા આજે વિશ્વભરના ગુજરાતીઓમાં ઓછેવત્તે અંશે બોલાય છે, વંચાય છે અને જીવાય પણ છે પણ 'કાલ'નું શું ? - એ સવાલ ચિંતા કરાવી જાય છે. હવે જો આપણે આપણી માતૃભાષાને આપણામાં ધબકતી રાખવી હશે તો તેને આપણી રોજિંદી ક્રિયાઓમાં વણતા રહેવું પડશે ! એ વિષે અવનવા અખતરાઓ કરતા રહેવું પડશે ! આપણી વહાલી ભાષાને જો પળેપળે પોતાની પરમ સમીપે રાખીને માણીશું તો તેનો ગુંજારવ ભાષાને આપણાથી અળગી નહીં જ થવા દે તેની મને ખાતરી છે.
મિત્રો, આપણી ભાષા તો આપણી ધરોહર છે. એક લેખિકા હોવાને કારણે સમાજના વિવિધ લોકોને મળવાનું રહે છે અને એ દરમિયાન મેં એ વાત નોંધી છે કે, ગુજરાતી માતૃભાષાથી મહદ્અંશે વિમુખ થઈ રહ્યા છે. વિદેશ અભ્યાસ અર્થે જઈ રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો શું ‘જનરેટર નેક્સ્ટ’ એટલે તમને-ગુજરાતની ભાવિ પેઢીને ભાષાની દૂર થતી અમારે જોઈ રહેવાની ? માતૃભાષાને છાંયડે કોઈકવાર વિસામો લેશો તો સમજાશે કે આપણી પોતાની માતૃભાષા તો માના શીતળ પાલવ જેવી છે !
ગુજરાત ગિરાના વાંચન, મનન અને આલેખનથી અનુભવાતી આ શીતળતા, શાંતિ, મધુરતા, શોભા અને પ્રભા એટલે જ ભાષાવૈભવ ! ગુજરાતની ઉત્તરે આવેલા મા અંબેના કંકુમાંથી ઊગતા સૂર્યની લાલિમા એટલે આપણી માતૃભાષા ! ગિરનારની તળેટીમાં ધૂણી ધખાવીને બેઠેલા બાવાઓના 'અલખ નિરંજન'ના નાદનો સાક્ષાત્કાર એટલે આપણી વહાલી ભાષા ! સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી ભાષા એટલે આપણી મીઠડી માતળભાષા ! ‘રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ’માં આલેખાયેલી ભાવનાત્મકતા એટલે આપણી ભાષા ! ચૌદ વરસની ચારણકન્યાના ચંચળ ચિત્તમાં રમતી ચાહત એટલે આ ભાષા ! અરે, મારા વહાલા મિત્રો, આ તો એવી ભાષા છે કે જેમાં આંધળી મા કાગળ લખી જાણે છે તો ક્યાંક આકાશ આમ ઝૂકીને ફૂલોને કેમ છો પૂછી લે છે ! ક્યાંક અજવાળા પહેરીને શ્વાસ ઊભા રહે છે તો ક્યાંક ટેકરીઓ ધીમેધીમે ઢાળ ઊતરી જાય છે ! ક્યાંક કોઈના નયણામાં સપના આળોટે છે તો ક્યારેક હવામાં કોઈક સૂર્યનો સિક્કો ઉછાળી જાય છે ! આ ભાષા તો એવી છે કે ક્યાંક ડોસો વાંચે છે ને મોતિયો ડોસીને આવી જાય છે ને ક્યાંક વળી વરસાદી છંદની છાલક વાગતાં પાન ખરી જાય છે !
રસપ્રદ છે ને ? સાહિત્યનું વાંચન થોડું પણ હોય તો ઉપરોક્ત વાતો વાંચીને ખ્યાલ આવી જાય કે આ જાણીતા સર્જકોની કૃતિઓમાંથી લીધેલા વાક્યોને રૂપક બનાવીને આલેખન કર્યું છે. અનેક સર્જકોના સાહિત્યના આવા અનેક રસથાળ આ ભાષામાં પિરસાવા છે, જેને માટે આ લેખની શબ્દમર્યાદા ઓછી પડે !
ફાધર વાલેસ અને કાકાસાહેબ કાલેલકર જેવાં સવાયા ગુજરાતીઓ આપણા વ્યક્તિત્વ ધડતર માટે કેટકેટલું શબ્દધન આપી ગયા છે ! આપણી ભાષા સાથે આપણા 'દિવસો જુદાઈના જાય' એ ન જ ચાલે ! હાઈકુ કાવ્યકારના ણેતા સ્નેહરશ્મિને યાદ કરીને ગુજરાતી તરીકે માણસાઈના દીવા ગટાવતા રહેવું જોઈએ એટલું અહીં ચોક્કસ કહીશ. સાહિત્યકારોનો ગુજરાતમાં શ્રેષ્ઠતમ અન્નકૂટ ભરાયો છે - રામનારાયણ પાઠક, પન્નાલાલ પટેલ, લાભશંકર ઠાકર, નર્મદાશંકર દવે, ધૂમકેતુ, નિરંજન ભગત, કલાપિ, કવિ ન્હાનાલાલ, હરીન્દ્ર દવે, ક.મા. મુનશી, જયભિખ્ખુ - અરે, કેટકેટલાં રત્નો ગુજરાતની ભોમકાને આજે પણ દીપાવી રહ્યા છે. બને તેટલાં મહાન સર્જકોનો, તેમની રચનાઓનો, કૃતિઓનો, આલેખનો અને પુસ્તકો કે પછી તેમના નામો વગેરેમાંથી અંશ લઈને તેમનો ઉલ્લેખ કરવાનો યત્ન કર્યો છે. હજી તો કેટલાંય સાહિત્યકારો અને કવિઓનો ઉલ્લેખ નથી થઈ શક્યો એ માટે હું માફી ચાહું છું પણ આ પરથી તમે એટલું ચોક્કસ સમજી શકશો કે ગુજરાતી સાહિત્ય અનેક કવિરત્નો અને લેખકરત્નોથી મઢાયેલું છે!
આપણે એ કહેણ ખોટું ન પડવા દઈએ કે ‘‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત !'' એ આપણાં સૌની જવાબદારી છે. ભલે, અંગ્રેજી શબ્દોની વાછટ આવે કે ધોધમાર વરસાદ પણ સાથે માતૃભાષાની છત્રી ઓઢતા રહેશો તો બીજી ભાષાઓના વરસાદી પ્રવાહમાં એટલા બધા નહીં ભીંજાઈ જાવ ! માતળભાષાને વાગોળતા રહેશો તો એ તમારી જીભે રમતી રહેશે. અન્ય ભાષાઓના ભાવથી અંજાઈ જઈને પોતાની ભાષાથી વિમુખ થતાં જવું એ તો જે ડાળ પર બેઠા છો તે જ ડાળ કાપવા જેવી વાત છે, એ વાત ચોક્કસ યાદ રાખજો.
‘‘જ્યાં જ્યાં નજર મારી પડે, ત્યાં ત્યાં ભાષા મારી ગુજરાતી જડે !'' સૂત્ર આપીને હું તમારી કુમળી માનસિકતામાં માતળભાષાની કૂંપળ ઉગાડવાનો યત્ન કરી રહી છું. સવારની ચ્હાનો આહ્લાદક સમય હોય કે પછી રાત્રે પોતાના સપનાને જીવવાનો મઝાનો સમય, બપોરનો હુંફાળો પારિવારિક સમય હોય કે ઑફિસમાં ટટ્ટાર બેસવાનો સમય કે પછી રજાના દિવસે મિત્રો સાથેનો મસ્તીખોર સમય... માતૃભાષાને પરમસમીપે રાખવાનો તમારો અંતરમનનો યત્ન જ તમને એની સાથે જકડી રાખશે.
આશા રાખું છું કે તમે આ પત્ર ઝીણવટપૂર્વક વાંચશો અને વાગોળશો. તમે સૌ તો આવતીકાલની ભાષાની પરિભાષા છો ! માત્ર, એટલું વચન આપજો કે માતૃભાષા ગુજરાતી બોલવામાં કદી નાનમ નહીં માનો ! વિશ્વના કોઈ પણ ખૂણે હોવ અને ગમે એટલી મોટી કે ઊંચી પદવી પર હોવ, માતૃભાષાને હૃદયમાં સલામત ચોક્કસ રાખજો.
જય જય ગરવી ગુજરાત !
લિ. પાર્થિવી અધ્યારુના
જય ગુજરાત!
૧/૫/૨૦૨૪
ગુજરાત દિવસ।